Tuesday, October 15, 2024

બાળક અને પિતા - ઉત્તમ parenting

બાળકો સાથેનું કોમ્યુનિકેશન
સવારે દોડમ દોડ ટોમ ક્રૂઝની જેમ બાઇક ચલાવીને પણ સંતાનને શાળાના ગેટમાં પ્રવેશ કરાવી દેનાર દરેક માં-બાપને સાદર સમર્પિત!!😃🙏 કિશોરાવસ્થા માં થતાં અપરાધ, સ્ખલનો અને બીજી અણગમતી પ્રવૃત્તિઑ રોકવામાં માતા પિતા ઘણીવાર પોતાને અસમર્થ મહેસૂસ કરે છે કારણકે સંતાન તેમનું કઈ સાંભળવા જ તૈયાર નથી હોતું. બધાના મૂળમાં કિશોરાવસ્થાના શારીરિક અને માનસિક બદલાવો જેટલું જ માતા પિતા અને સંતાન વચેનું તૂટેલું કોમ્યુનિકેશન કે સંવાદ જવાબદાર છે. આ સંવાદ સેતુ શરૂ થવો જોઈએ નાની ઉમરથી જ જ્યારે બાળકને દરેક નાની મોટી બાબતોમાં આપણી સરળ ભારતીય પરંપરા ની જેમ રોકો ટોકો અને ઠોકોની પધ્ધતિ જ અપનાવાય છે. પણ મિત્ર કે ભાઈ ની જેમ સમજાવવની કળા આપણે ભૂલી રહ્યા છીએ. એક નાની કોશિશ એક મિત્ર એ એના બાળક સાથે કરી, જ્યારે પણ કોઈ પ્રસ્તાવ કે પ્રશ્ન આવે જેમકે આજે સ્કૂલે નથી જવું તો તરત જહાંપનાહ ની જેમ ના આવું નહીં ચાલે નો ચૂકાદો નથી આપી દેતો!! પણ અમે ચર્ચા કરીએ કે આ પ્રસ્તાવનો કોસ્ટ બેનિફિટ રેશયો શું છે? શું સ્કૂલમાં કોઈ અગત્યની વસ્તુ છૂટી જશે? આ માહિનામાં કેટલી રજા પડી છે. ઘેર રહી તું નવું શું કરીશ? વી. મહદઅંશે જો એની દલીલ સાચી જણાય જેમકે ચાર પિરિયડ ચાલવાના છે શૈક્ષણિક કાર્ય નામ માત્ર છે અને આ રજા છેલ્લા બે મહિનાની પહેલી રાજા છે. તો હું આ પ્રસ્તાવ સ્વીકારી પણ લઉં છું. નવાઈ લાગશે પણ આવી છૂટછાટ સાથે પણ એની સ્કૂલમાં માંદગી રજા સાથે પણ 5%થી વધુ રાજા નથી પડી. આવા ઘણા કિસ્સાઓ બની શકે નવી પેન લેવી છે. સરસ, શા માટે લેવી છે? પછી પિતા જ પૂછે કે બજેટ શું રહેશે? એટલે નક્કી થાય કે 25 રૂપિયા! પછી પેનના સ્પેસિફિકેશન નક્કી થાય, અને હું એને 25 રૂ. હાથામાં આપી દુકાનની બાહર એની સાથે ઊભો રહું પણ એક શબ્દ નહીં બોલૂ ! બહુ મજા પડે એ દુકાનદાર સાથે પેનની ખરીદી માટે જે પૂછપરછ કરે અને ઘણીવાર તો પોતે કરેલી રિસર્ચ અનુસાર પેન માગે અને દુકાનદારના દાવા અને માર્કેટિંગ તૂત સમજે ! છેલ્લે મહદઅંશે 22-24 રૂ. ની પેન આવે અને એક રૂ. તોય બચે! ટૂંકમાં જો બહું મોટો ફરક ન પડતો હોય મોટું શારીરિક કે આર્થિક નુકશાન ન જતું હોય તો બહુ કટ કટ નહીં કરવાની!! બાપ અને મિત્રમાં પણ આવો જ ભેદ હોય છે!! ઘણીવાર વ્યાવસાયિક વ્યસ્તતા વચ્ચે આવો સમય કાઢવો અઘરો લાગે તો પણ શક્ય હોય તો કાઢજો... એ સમયે ઓછું કમાયેલ હશું તો ચાલશે પણ એનું બાળપણ પાછું નહીં આવે! છતાય ન મેળ પડતો હોય તો જ્યારે જ્યાં મળે સમય ચોરી લ્યો, પુત્રને સ્કૂટર પર સ્કૂલે કે ટ્યુશન મૂકવા જાય, ત્યારે એ દસ મિનિટમાં ઘણી બધી વાતો થઈ જાય છે. બસ , વાત સ્ટાર્ટ કરીને શાંતિથી સાંભળવાનું હોય છે. આવો ક્વોલિટી ટાઈમ રજાઓમાં, પિકનિક પર કે સાંજે જામતી વેળાએ પણ હોય શકે. મૂળે સંવાદ ચાલુ રહે છે અને એને ખબર છે કે ' હું એની સાથે છુ! ' બધી વસ્તુઓમાં હા નહીં પડે પણ જો એ સાચી દલીલ આપશે તો ના પણ નહીં પડે! આ સેતુ જળવાઈ રહે તો ય ઘણા સંબંધો જળવાઈ રહેશે. ખાસ કરીને કિશોરાવસ્થામાં કે જ્યારે કિશોરોનો માતપિતા સાથે સંવાદ જ ઓછો થઈ જાય છે અને સલાહ લેવામાં પણ એ પોતાના મિત્રને વધુ લાયક માને! તિખારો: 100 કરોડની જાયદાદ કે સંપત્તિ આપ્યા પછી પણ સંતાનનું ભવિષ્ય સધ્ધર રહેશે કે અધ્ધર એ ચોક્કસ નથી, પણ સંસ્કાર અને શિક્ષણ યોગ્ય આપ્યા હશે તો ભવિષ્ય માં લડી લેવાની તાકાત ચોક્કસ હશે! #parenting #ParentingTips #communication

No comments:

Do What Love to, Love What you Do

ન ગમતું કામ કરવું પડતું હોય તેને સ્ટ્રેસ કહેવાય, અને કામ ગમતું હોય તો પેશન કહેવાય. સામાન્ય રીતે, આપણને જે ચીજમાં રસ પડે તેને લઈને આપણામાં...